"cyclone tauktae"નું આંખ દેખ્યું વર્ણન
આજે વાવાઝોડાને લાગતી આ છેલ્લી પોસ્ટ આપું છું.
લેખ લાંબો છે પણ નિરાંતે જરૂર વાંચજો. વાવાઝોડાનું આખું ચિત્ર આપવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે.
અમારા ઉપર જે વિતી તેની વિગતો આજે ક્રમ મુજબ આપું છું. અનેક ઉત્સુક મિત્રોને જાણવું ગમશે.
વાવાઝોડું ટૌકટે આવવાનું જ છે એ તો બધાને અગાઉથી જ ખબર હતી. એટલે ધાબા કે છાપરા ઉપર રહેલ મોટાભાગની ચીજવસ્તુ નીચે લઈ લીધી હતી, અન્ય તૈયારીઓ પણ કરી રાખી હતી, પણ વાવાઝોડું બધાની ધારણા કરતા વધારે ભયંકર નીવડયું..!
હવે આખો ઘટનાક્રમ જુઓ..
...
તા. 17-05-21, સોમવાર.
વહેલી સવારે સામાન્ય પવન જ હતો પણ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું એટલે વાવાઝોડા સાથે વરસાદ પણ તેનું ભારે રૂપ બતાવશે એ નક્કી થઈ ગયું હતું.
બપોર સુધીમાં પવનની ગતિ વેગ પકડવા લાગી.
કોઈને નવાઈ લાગે એવું જોવા મળતું હતું. પવન ઉત્તર દિશામાંથી ફૂંકાતો હતો અને વાદળા તેની સામે દોડતા હોય તેમ સાઉથ-ઇસ્ટ થી નોર્થ-વેસ્ટ દિશામાં દોડતાં હતાં. પણ એ વાવાઝોડા દરમિયાન જોવા મળતી સહજ ઘટના છે. જેમાં ઉપરનો પવન અને જમીન પરનો પવન એકબીજાથી વિરોધી વર્તન કરતા જોવા મળે છે..!
બપોર સુધીમાં પાકા પાયે નક્કી થઈ ગયું કે, અમે બરાબર તોફાનનાં માર્ગમાં જ છીએ ! તેનો સૌથી વધુ પ્રબળ હિસ્સો બરાબર અમારી ઉપર જ આવી રહ્યો હતો. હવે તેનો માર્ગ ફંટાય એવી કોઈ શક્યતા ન હતી. હું કોમ્પ્યુટર પર સતત સેટેલાઈટ ડેટાનો અભ્યાસ કરી રહ્યો હતો. વાવાઝોડું વધુને વધું ભયંકર બની રહ્યું હતું અને જ્યારે કિનારે ટકરાશે ત્યારે ઝંઝાવાતનો વેગ 200 કિલોમિટર કરતા પણ વધુ હશે એ સમજાઈ ગયું હતું. એ જે દિશામાં આવી રહ્યું હતું એ જોતાં દિવ પાસે ટકરાશે એ ચોક્કસ થઈ ગયું હતું. ત્યાંથી તેની સીધી લાઈનમાં અમે ફક્ત 35 કિલોમિટર દૂર હતાં અને ચક્રવાતનો વ્યાપ જ 40 km જેટલો હતો. એટલે તેની સૌથી વધુ થાપટ પડવાની જ હતી. સમાચારમાં કહેતા હતાં કે, રાતે દસ વાગ્યે આવશે પણ મને ખાતરી હતી કે એ પહેલા જ એ કિનારે ટકરાશે. મારા ફેસબુક અપડેટમાં એ લખ્યું પણ હતું.
...
બપોર પછી વાદળાઓ વધ્યાં. ચારે તરફ સાંજ જેવો અંધકાર પથરાઈ ગયો પણ પવનનું જોર મંદ પડ્યું હોય એવું લાગતું હતું. સાવ તો અટક્યો નહોતો માત્ર થોડો ધીમો પડ્યો હોય એવું લાગતું હતું. એ પણ વાવાઝોડા પહેલાની ખાસિયત છે.
સાંજ પડતા પહેલા જ વરસાદી છાંટા પડવા ચાલું થઈ ગયાં.
ધીરે ધીરે પવનની ગતિ વધવા લાગી.. હવે તે એકધારો ચાલવાને બદલે જુદી જુદી દિશામાંથી આંચકા મારતો ચાલતો હતો.. વૃક્ષો ડોલવા લાગ્યાં હતાં..
સાંજે રીતસર ભારે વરસાદ ચાલું થયો. પવનના સુસવાટા વધવા લાગ્યાં..
અત્યાર સુધી ટકેલી લાઈટ ગઈ. એ સાથે જ મારો ઇન્ટરનેટ સાથે સંપર્ક પણ કપાઈ ગયો. પણ એ પહેલા જાણવા જેવું બધુ જાણી લીધું હતું.
....
સાંજનાં સાડા સાત..
વાવાઝોડાનાં પ્રકોપનો પ્રારંભ.. હવે બહાર ઓસરીમાં પણ ઊભા રહેવાય તેમ ન હતું. આ સ્થિતિનો અગાઉથી ખ્યાલ હોવાથી રાતનું ભોજન અમે વહેલા જ પતાવી દીધું હતું. બસ, હવે તો એ આવે એની જ રાહ હતી..! રાતનું જાગરણ નક્કી થઈ ગયું હતું.
....
રાતનાં સાડા આઠ..
230 કિલોમીટરના ભયાનક પવનવેગ સાથે વાવાઝોડું દિવ નજીક વણાકબોરાનાં કિનારે અથડાયું..!
કાઠિયાવાડ માટે કાળરાત્રીનો આરંભ..
...
જોરદાર વરસાદ અને પવનનાં ભયંકર સૂસવાટાએ અમને રૂમમાં ઢબુરી દીધા હતાં. જે લોકોનાં દરવાજા ખુલ્લા રહી ગયા હતાં તેઓ દરવાજા પણ બંધ કરી શકતા ન હતાં એવો પવન ફૂંફાડા મારતો હતો.
છતાં હજુ તો શરૂઆત હતી..!
ખરું ભયાનક રૂપ રાતનાં અગિયાર વાગ્યાથી દેખાવું ચાલું થયું.. રૂમની અંદર પણ કાને પડ્યું સંભળાય નહી એવો તોફાની અવાજ આવતો હતો.. ઓસરીવાળું મકાન હોવાથી વરસાદની ઝાપટોથી ઓસરી તો ક્યારની પાણી પાણી થઈ હતી પણ પવનનું જોર એવું કે બારણાની નીચેથી રૂમમાં પણ પાણી ભરાવા લાગ્યું..!
રાતનાં બારથી બે વાગ્યા સુધીનો સમય તો જીવનમાં ક્યારેય ભૂલી નહી શકાય.!
બહાર તો નીકળી શકાય તેમ જ ન હતું પણ લોકોનાં પતરાં અને છાપરાનાં ભાગો ઊડી ઊડીને મકાન સાથે અથડાતા અનુભવી શકાતાં હતાં. કોઈનું પતરું ધાબા ઉપર ખાબકે ત્યારે જાણે વીજળી પડી હોય એવો અવાજ આવતો હતો !
એ સમયનું યથાતથ વર્ણન કરી શકું તેમ નથી મિત્રો.
....
રાતનાં અઢી વાગ્યા સુધી પ્રકોપ ચાલ્યો અને ત્રણ વાગતા તો જાણે ચમત્કાર થયો હોય તેમ એકાએક બધું શાંત થઈ ગયું..!
પણ આ છેતરામણી શાંતિ હતી..
ચક્રવાત નો બરાબર મધ્યભાગ અમારી ઉપર આવ્યો હતો.
અમે બરાબર વાવાઝોડાની આંખમાંથી પસાર થઈ રહ્યાં હતાં..!
યાદ રાખજો વાવાઝોડાની આંખનો ભાગ હમેશા એકદમ શાંત હોય છે, અરે, પાંદડું પણ હલે નહી એવી શાંતિ હોય. આકાશમાં તારાઓ પણ જોઈ શકાય ! જેણે આ અનુભવ્યું હોય તેને જ આ ખ્યાલ આવી શકે.
આ આંખ વટાવ્યા પછી પણ પહેલા જેવું જ રૌદ્રરૂપ ચાલું થઈ જાય છે..!
બધુ શાંત થતા જ ઘેર ઘેરથી લોકો, યુવાનો બહાર નીકળી પડ્યાં. ના, પોતાનું નુકશાન જોવા નહી પણ બીજાને મદદ કરવા..! યુવાનોની ટોળીઓ ગામમાં ફરવા લાગી. ફસાયેલાઓને બહાર કાઢવા અને જેમના ઘરબાર સાવ તૂટી ગયાં હોય તેવાઓને સલામત સ્થાને પહોંચાડવાની કામગીરી તુરત જ સ્વયંભૂ ચાલું થઈ ગઈ..! આ છે અમારા ગામડાનો જુસ્સો. આ છે અમારું ડિઝાસ્ટર મૅનેજમેન્ટ..!
...
રાત વિતી અને વહેલી સવારનાં સાડા પાંચ વાગ્યાનો સમય..
અમારા પરથી વાવાઝોડાની આંખ પસાર થઈ ગઈ..
એ સાથે જ ફરી ભયાનક ઝંઝાવાતનો પ્રારંભ થયો..!
હવે વધુ નહી લખું.. સવારનાં સાડા નવ વાગ્યા સુધી ફરી ઘમસાણ મચ્યું.. અમે સતત ઝઝૂમતા રહ્યાં અને પછી શાંતિ પથરાઈ..
તોફાન સાથે છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો..
પાળા તૂટ્યા, ખેતરો ધોવાયા..
નાની મોટી તમામ નદીઓ ગાંડી થઈ..
શેત્રુંજીમાં ઘોડાપુરે કાંઠા તોડયા..
ખોડિયાર ડેમ છલકાયો, દરવાજા રાતે જ ખોલવા પડ્યાં..
વાવાઝોડું જે હાહાકાર મચાવી ગયું એવી ઘટના સો વરસે બે ચાર જ બનતી હશે. જીવનમાં સૌરાષ્ટ્રમાં આવું ભયંકર વાવાઝોડું આ બીજું જોયું.. 1982 માં બરાબર આ જ સ્થિતિ થઈ હતી. ત્યાર પછી નાનામોટા તો ઘણા જોયા પણ આવો પ્રકોપ તો જીવનમાં આ ત્રીજી વાર જ. (એકવાર હિમાલયમાં અનુભવ્યો હતો)
તારાજીનો જેટલો અંદાજ મૂકાય એટલો ઓછો પડે એમ છે. અબોલ જીવો અને વૃક્ષ વનરાજી કેટલા નષ્ટ થયા તે જોતા હૃદય કંપે એવું છે. ગામમાં બે માનવજિંદગી પણ છિનવાઈ ગઈ.
આ છે પ્રકૃતિનો રોષ..🙏🙏
-હસમુખ જોષી.
(ખીચા, તા.ધારી, જી. અમરેલી)
વ્યથિત કરે એવી તસવીરો આજે નથી આપતો. હવે પછી મારી સમૃદ્ધ લાઈબ્રેરી જે રીતે રફે દફે થઈ એ વિશે એક પોસ્ટ આપી આ પ્રકરણ પૂરું કરીશ.
શુભેચ્છાઓ. 🙏💐💐
#CycloneTauktae
Live... Thayu
ReplyDeleteGood
So true..💯 અમે અહીં બેઠા માત્ર અમારા સ્વજનો ની વાતો સાંભળી ધ્રુજી ઉઠ્યા હતા ત્યાં સહન કરનાર ની તો વ્યથા જ અલગ હોઈ અઠવાડિયું જ્યારે ત્યાં રહેલા સ્વજનો નો સંપર્ક ન થયો ત્યારે અહીં બેઠા જે જીવ ઊંચા થયા છે એ જીવનભર યાદ રહેશે.
ReplyDeleteછતાં ત્યાં આટઆટલું નુકશાન સહન કરનાર દરેક ખેડૂત ના જેટલા ધન્યવાદ કરીએ એટલા ઓછા છે.
એટલે જ જય જવાન જય કિસાન 🙏